Abtak Media Google News

સમય, સ્થિતિ અને સંજોગો ક્યારેય ‘સ્થિર’ હોતા નથી

હવે… આરજેડી, સીપીએમના કોંગ્રેસ સાથે ‘છુટાછેડા’ નિશ્ર્ચિત, બિહારના મતદારોએ વિકાસવાદ પર હેત વરસાવ્યું

સમય, સ્થિતિ અને કાળ ક્યારેય યથાવત રહેતા નથી… બિહારની ચૂંટણીના જાહેર થયેલ પરીણામ એનડીએ તરફ આવ્યું છે. ભાજપને સૌથી વધુ ૬૬ ટકાના જનાધારથી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરવાનો અવસર પ્રદાન થયું છે ત્યારે બિહારના આ પરીણામોમાં ભાજપ અને એનડીએને કોંગ્રેસની નબળાઈ અને આંતરીક સંકલનના અભાવનો સીધો જ ફાયદો થયો હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે. બિહારમાં કોંગ્રેસ તો ડૂબ્યુ પણ સાથે સાથે સાથી પક્ષોને પણ ડૂબાડી દીધા. આ સંજોગોમાં ભાજપે પોતે તરીને સાથી પક્ષોને પણ તારી દીધા છે. હવે પરીણામોની રાજકીય અસરના પરીણામો અને ભૂકંપ પછીના નિશ્ર્ચિત બનેલા આફટર શોકમાં કોંગ્રેસના સહયોગીઓ આરજેડી, સીપીએમ જેવા પક્ષોના કોંગ્રેસ સાથેના છુટાછેડા નિશ્ર્ચિત બન્યા છે.

Advertisement

બિહારમાં નરેન્દ્ર મોદીની અધ્યક્ષ સ્થાને એનડીએને બિહારની ગાદી જીતવામાં સફળતા મળી છે. તેજસ્વી યાદવ સાથેની ટક્કરમાં જો કે, આરજેડી સામે જનતા દળ યુના નિતીશકુમારનો રકાસ થયો છે પરંતુ ભાજપ સાથે નિતીશકુમારની નાવ તરી જેવા પામી છે.

નિતીશકુમાર બિહારમાં સતત છઠ્ઠી વખત ચૂંટાઈ આવ્યા છે. પ્રથમ વખત તેમની માટે આ વખતે પ્રારંભીક તબક્કામાં કપરા ચઢાણ દેખાયા હતા. એનડીએએ ૧૨૪ બેઠકો જીતી છે. આરજેડી ૧૧૧ અને જારી થયેલા પરીણામોમાં એનડીએને સ્પષ્ટ બહુમતિ મળવા પામી છે.

કોંગ્રેસે મેચ પહેલા જ હાર સ્વીકારી લીધી હોય તેમ ૭૦ બેઠકો પર જ ઉમેદવારો ઉભા રાખીને રાષ્ટ્રીય જનતા દળ સાથે ગઠબંધન કર્યું હતું. જાહેર થયેલા પરીણામોમાં આરજેડી, સીપીઆઈ, સીપીઆઈએમ જેવા કોંગ્રેસના સહયોગીઓને પણ ભારે રકાશનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસ પોતે ડૂબ્યુ અને સાથીઓને પણ ડૂબાડી દીધા છે ત્યારે આવનાર દિવસોમાં કોંગ્રેસના સહયોગીઓ કોંગ્રેસનો સાથ છોડી દે તેવું દેખાઈ રહ્યું છે. તેજસ્વી યાદવે બિહારની ચૂંટણીમાં ૧૦ લાખ યુવાનોને સરકારી નોકરીના ચૂંટણી વચનથી મતદારો પર મોટો પ્રભાવ ઉભો કર્યો હતો. કોવિડ-૧૯ની કટોકટી અને બેજરોગારીનો મુદ્દો નિતીશકુમાર સામે પડકારરૂપ બન્યો હતો. આરજેડીએ ૧૫ વર્ષ જૂના શાસન અને યાદવ અને મુસ્લિમ મત બેંકનો પણ ચૂંટણીમાં બરાબરનો ઉપયોગ કર્યો હતો. અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યૂહરચના અને ભાજપના વિકાસવાદને લઈને ભાજપના સંગાથનો એનડીએના તમામ સહયોગી પક્ષોને સીધો ફાયદો થયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના વિકાસવાદ અને સર્વાંગી વિકાસ પર જે ધ્યાન આપ્યું હતું તે ભાજપ અને તેના સહયોગી માટે તેજસ્વી યાદવના નવા ઉભા થયેલા પડકાર સામે કારગત નિવડ્યું હતું. ભાજપ અને તેના સાથીઓ તમામ વર્ગના મતદારોમાં ગરીબથી લઈને ઉપલા વર્ગના મતદારો સુધી હિન્દુત્વના મુદ્દે વધુ સધ્ધર બન્યું હતું. બિહારના આવેલા ચૂંટણી પરીણામોમાં આરજેડી અને કોંગ્રેસને એક સમાન પડકારોનો સામનો કરવો પડ્યો છે. તેજસ્વી યાદવના પરિતાપથી નિતીશકુમારનું કદ ઘટ્યું છે અને ભાજપને સહકાર આપનારા તમામ પક્ષોને ફાયદો થયો છે. કોંગ્રેસ સમય, સ્થિતિ અને સંજોગો પારખવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નિવડી છે. બિહારમાં કોંગ્રેસમાં સંકલન અને નેતૃત્વમાં આત્મવિશ્ર્વાસના અભાવથી કોંગ્રેસ તો ડૂબ્યુ પણ સાથી પક્ષોને પણ ડૂબાડ્યા હતા.

એક્ઝિટ પોલ મતદારોના મન કળવામાં વધુ એકવાર નાકામ નિવડ્યું છે. ચૂંટણી દરમિયાન પોતાનો જનાધાર ઘટવા અંગે આરજેડીએ ઈવીએમ પર દોષારોપણ કર્યું હતું. જનતા દળ યુએ હિલસાની બેઠક માત્ર ૧૨ મતની સરસાઈથી જીતી હતી. ચિરાગ પાસવાને લોક જનશક્તિ પાર્ટીની મુળભૂત બેઠકો જાળવી રાખવામાં સફળતા મેળવી છે. બિહારમાં એનડીએ ગઠબંધનમાં ભાજપ ૭૪, જેડીયુ ૪૩, એચએએમ ૪, વીઆઈપી ૪, મહાગઠબંધનમાં આજેડી ૭૫, કોંગ્રેસ ૧૯, સીપીઆઈ ૧૨, સીપીઆઈ ૨, સીપીઆઈએમ ૨ અન્યોમાં ઐમીમ ૫, બીએસપી, એલજેપી અને અપક્ષને ૧-૧ બેઠકો મળી છે. બિહારના રાજકારણમાં કોંગ્રેસમાં સહયોગીઓને સંગદોષનું નુકશાન અને ભાજપના સહયોગીઓને ફાયદો થયો હોવાનું ચિત્ર સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.