Abtak Media Google News

સમગ્ર કચ્છમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને હવાઈ નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો: કેન્દ્ર સરકાર તરફથી રાજ્યમાં બચાવ અને રાહત ઉપાયોની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય મંત્રીઓની એક ટીમ પણ ગુજરાત મોકલવામાં આવી છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે વાવાઝોડા ગ્રસ્ત કચ્છની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બપોરે અમદાવાદ ખાતે પહોંચી ગયા હતા. ત્યારબાદ તેઓ સીધા ભુજ એરપોર્ટ પર પહોંચ્યા હતા. સૌપ્રથમ તેઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેવો હવાઈ નિરીક્ષણ પણ કર્યું હતું અને તેમની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સાથે જોડાયા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતમાં વાવાઝોડાની અસરના પગલે ભારત સરકારના સંબંધિત અધિકારીઓ, ગુજરાત સરકારના અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તમામ પ્રકારની મદદ આપવા માટે પહેલ કરી હતી. કેન્દ્ર સરકારે આ કુદરતી આફત માટે ગુજરાતને પોતાનો સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. કેન્દ્ર સરકાર તરફથી રાજ્યમાં બચાવ અને રાહત ઉપાયોની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય મંત્રીઓની એક ટીમ પણ ગુજરાત મોકલવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ વાવાઝોડાનો સામનો કરવા માટે રાજ્યનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજાગ અને સજ્જ હતું, અને તેથી જ આ તીવ્ર વાવાઝોડા સામે ગુજરાતમાં બહુ મોટા નુકસાન અને જાનહાનિને ટાળી શકાયા છે. રાજ્ય સરકારની પૂર્વતૈયારીઓ, અગમચેતી અને સમયસરના પગલાંઓને કારણે આપણે હેમખેમ આ કુદરતી આફતમાંથી પાર નીકળી શક્યા છીએ.વ ાવાઝોડાનો બહાદુરીપૂર્વક સામનો કરવા માટે મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના તમામ મંત્રીઓ, વિભાગો, જિલ્લા વહીવટીતંત્રો અને વરિષ્ઠ અધિકારીઓના અથાગ પરિશ્રમ અને આગવી સૂઝની પ્રશંસા કરી હતી.

બિપરજોય વાવાઝોડાની અસર ચાલુ છે ત્યારે ગુજરાત પર ફરી આસમાની આફત મંડરાઇ રહી છે. વાવાઝોડાની અસરને પગલે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદ આજે બનાસકાંઠા પંથકને ધમરોળે તેવી શક્યતા છે. આ ઉપરાંત કચ્છ, મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી છે.

કચ્છની મુલાકાત દરમિયાન આજે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. તેઓએ હોસ્પિટલમાં દાખલ પ્રસુતાઓ સાથે વાતચિત કરી હતી. સાથોસાથ તેઓની ખબર અંતર પણ પૂછી હતી. સાંજે કેન્દ્રિય ગૃહમંત્રી કચ્છ ખાતે એક પત્રકાર પરિષદને સંબોધશે. જેમાં તેઓ કોઇ મોટું રાહત પેકેજ જાહેર કરે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. પ્રચંડ વાવાઝોડા બાદ કચ્છની સ્થિતિ થાળે પડી રહી છે. આગામી દિવસોમાં વડાપ્રધાન પણ કચ્છની મુલાકાતે આવે તેવી સંભાવના હાલ નકારી શકાતી નથી. અમિતભાઇ શાહની કચ્છની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ સાથે જોડાયા હતા.

અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજી

આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં વાવાઝોડાની અસરના પગલે ભારત સરકારના સંબંધિત અધિકારીઓ, ગુજરાત સરકારના અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ કરીને તમામ પ્રકારની મદદ પૂરી પાડવા સૂચવ્યું હતું. કેન્દ્ર સરકારે આ કુદરતી આફત માટે ગુજરાતને પોતાનો સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.