Abtak Media Google News

ભારત તહેવારોનો દેશ છે. દેશમાં નાના કે મોટા દરેક ધર્મના તહેવાર ઉજવવામાં આવે છે. હાલ કોરોના સંક્રમણના કારણે જેમાં ભીડ ભેગી થાય તે રીતે તહેવાર ઉજવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જયારે અમદાવાદમાં પરંપરાગત રીતે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે. ગયા વરસે કોરોનાના કારણે રથયાત્રા મંદિરની બહાર સમગ્ર શહેરમાં ફરવાના બદલે મંદિર પરિસરમાં જ ફરી હતી. આ વખતે પણ રથયાત્રા યોજાશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તે છે.

જગન્નાથ મંદિરના ટ્રસ્ટીનું કહેવું છે કે, ‘રથયાત્ર અંગે હાલ તો નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ 24 જૂન પહેલા તેના વિશે નિર્ણય લેવામાં આવશે. રથયાત્રા માટે જે પરવાનગી લેવાની હોય તેના માટે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પરંતુ યાત્રામાં જોડાવા માટે આ વર્ષે 101 મોટર, ટ્રક જોડાવા તૈયાર છે.’

Ahmdabadઅમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં અખાત્રીજના દિવસે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવે છે. આ વર્ષે અખાત્રીજના દિવસે સવારે સાડા નવ વાગ્યે જમાલપુર ખાતેના જગન્નાથ મંદિરમાં ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવ્યું હતું. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રથનું પૂજન કર્યું હતું. થોડાક લોકોની હાજરીમાં પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી હતી, પણ રથયાત્રા યોજવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. 24 જૂને થનારી જળયાત્રા અને 12 જુલાઈએ રથયાત્રા યોજવા અંગે પણ હજી નિર્ણય લેવાયો નથી. રાજ્ય સરકારે રથયાત્રા અંગે જણાવ્યું છે કે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવાશે.

ગયા વર્ષે કોરોનાની મહામારીને કારણે ઐતિહાસિક એવી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા પહેલી વાર મંદિરની બહારની જગ્યાએ મંદિર પરિસરમાં જ ફરી હતી. કોરોનાને કારણે રથયાત્રા છેલ્લે સુધી યોજવા મામલે સરકાર અને મંદિર વચ્ચે વાતચીત થઈ હતી. હાઇકોર્ટમાં પણ આ મામલે સુનાવણી યોજાઈ હતી. છેવટે ભગવાન જગન્નાથજીના રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજવાનો નિર્ણય લેવાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.